સૌની આરોગ્ય સેવાને સમર્પિત સંસ્થાનું “મેડીકલ સેન્ટર”
“ઔષધ દાન”ને આગમોક્ત ઉત્તમ કક્ષાનું દાન કહેવામાં આવ્યુ્ં છે. પ.પૂ. આત્માનંદજીની પ્રેરણા અને વાત્સલ્યથી શરૂ થયેલ નૂતન આરોગ્ય કેન્દ્ર આ વર્ષે ડીસેમ્બર-2016 માં 5 વર્ષનું થશે. આ કેન્દ્ર આજે સંસ્થાના નિવાસી મુમુક્ષુઓ, પ્રવાસી મુમુક્ષુઓ, ગુરુકુળના બાળકો, સ્ટાફ-પરિવાર તેમજ આજુબાજુના અંદાજે 15 ગામડાના જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ થઈ રહ્યું છે.
પૂર્વ ભૂમિકાઃ
સંસ્થાની શરૂઆતથી આદરણીય ડૉ. રસિકભાઈ શાહે (સુરેન્દ્રનગર) પૂ. સાહેબના અંતેવાસી અને સંસ્થાના આરોગ્ય પ્રતિનિધિ તરીકે ખૂબ સુંદર સેવા કરી. તેમના દેહવિલય પછી પૂ. બ્હેનશ્રી (ડૉ. શર્મિષ્ઠાબેન સોનેજી)એ વર્ષો સુધી એક નાના ઓછી સગવડવાળા રૂમમાં આશરે બે દાયકા સુધી અત્યંત વાત્સલ્યભાવથી સમગ્ર સંસ્થા અને આજુબાજુના દર્દીઓની અથાગ સેવા કરી. ત્યારબાદ ડૉ. દેવેન્દ્રભાઈ શાહ સેવામાં જોડાયા. ડૉ. રાજેશભાઈ સોનેજી અને ડૉ. રાગિણીબ્હેન પૂ. બ્હેનશ્રીની મદદે રહી સેવા કરા.
નૂતન મેડીકલ સેન્ટરઃ
આદરણીય ટ્રસ્ટીશ્રી પ્રકાશભાઈ એચ. શાહે સંસ્થાના વિકાસ સાથે અનુરૂપ અને સેવાના યજ્ઞમાં સમર્પિત નૂતન સેન્ટરની જરૂરિયાત પ્રમુખ શ્રી નીતિનભાઈ સમક્ષ મુકતા જ શ્રી નીતિનભાઈ પારેખે તેને વધાવી લીધી અને સંસ્થાના નવા બની રહેલ ઓફિસ બિલ્ડીંગ સાથે જાણીતા આર્કીટેક્ટ આદ. શ્રી કમલ મંગલદાસની રાહબરી હેઠળ નવા પ્રોજેક્ટનો આકાર બની ગયો.